gujarati-blog-mara-pappa

બધાની જેમ મારા પપ્પાને પણ તેમનું નામ ખુબ પ્રિય – સુભાષચંદ્ર રાણા , એસ એમ રાણા પોતે સી.એ. એટલે મોટાભાગના લોકો એમને રાણા સાહેબ ના નામે ઓળખે.


પપ્પા નો જન્મ કચ્છના એક નાનકડા ગામ અંજાર માં થયો હતો. ભણવાની ધગશ નાનપણ થી જ એમનામાં હતી. આઠમા ધોરણ માં હતા ત્યારથી જ નક્કી કરેલું કે મારે Chartered Accountant બનવું છે . પોતાની આ ધગશ અને ભાઈઓ ના સહકારથી માત્ર 16 વર્ષ ની ઉંમરે પોતાનું વતન છોડી વડોદરા M.S. University માં ભણવા આવ્યા.


F.Y. ના પહેલા જ ક્લાસમાં એમના professor એ પૂછ્યું : “ગુજરાતી મીડીયમમાં થી કોણ કોણ આવે છે? ” મારા પપ્પા એ હાથ ઉંચો કર્યો . આ જોઈ ને એમના સર બોલ્યા : ” Rana, that’s surprising, you can’t be from Gujarati medium!” આટલી મજબૂત પક્કડ આજથી 50 વર્ષો પહેલા એ ધરાવતા હતા. વડોદરા માં સ્નાતક ની ડિગ્રી લઇ, મુંબઈ જઈ એમને C.A. ની ડિગ્રી મેળવી.


એ જમાનામાં ખુબ જ ગણ્યા ગાંઠ્યા C.A. થયેલા જોવા મળતા. એમના એક મારા પપ્પા હતા. ત્યારબાદ એમણે પોતાની પ્રેકટીસ ચાલુ કરી. એમની આવડત,મહેનત અને ઈશ્વરની કૃપાથી એ પોતાના ધંધામાં ખુબ આગળ વધ્યા અને એમને આ રીતે એક ઈટમાંથી ઇમારત ઉભી કરી.


એટલા સફળ વ્યક્તિ છતાં પણ એમને ક્યારેય ઘરમાં પોતાનું પુરુષપણું નથી જણાવ્યું.
ક્યારેય પણ પોતાનો નિર્ણય થોપી નથી બેસાડ્યો. અમને બંને દીકરીઓને પણ ખુબ
સ્વત્તંત્રતા આપેલી. આજ સુધી કે પહેલા પણ ક્યારેય અમને પપ્પાનો ડર નહતો લાગ્યો.
અતિશય નમ્ર અને સંકોચવાળો સ્વભાવ જોઈ હું કહેતી કે પપ્પા સામેવાળી વ્યક્તિ તમારી
આટલી નમ્રતા ને યોગ્ય નથી. પહેલેથી જ આટલો સંકોચ કે પોતાની દીકરી પાસે પાણીનો
પ્યાલો માંગતા પણ વિચારે!


મારા પપ્પા જયારે 65 વર્ષ ની વયે પહોંચ્યા ત્યારે એમને Alzheimer – dementia નામની બીમારી લાગુ પડી. આ બીમારીનું અત્યાર સુધી માત્ર મેં નામ સાંભળેલું અને memory -related હોય છે એટલી જ ખબર હતી. પરંતુ એનો અનુભવ મને પછી થયો. શરૂઆત માં પપ્પા નાની નાની વાતો જેવી કે સ્થળના નામ, શહેરના નામ વગેરે ભૂલવા માંડ્યા . દવાઓ ચાલુ હોવા છતાં આ બીમારી ઝડપથી વધે છે. અત્યારે પપ્પા ખુબ જ ટૂંકી યાદશક્તિ ધરાવે છે. એ મને એટલેકે પોતાની દીકરીને એ દીકરી તરીકે ઓળખી ના શકે ત્યારે મારુ હૃદય ચોક્કસ રડી પડે છે. પણ મને એ વાતનો ખુબ જ સંતોષ છે કે શારીરિક રીતે મારા પપ્પા બરોબર છે . વર્તમાન માં આનંદ કરી શકે છે.


હું શું શીખી મારા પપ્પા પાસેથી? નમ્રતા , વિવકેક લાગણીશીલતા…….હા બધું તો આપો
આપ મળ્યું પણ એ પછી થી શીખી કે પપ્પા જેટલા સરળ રહેવાની આ દુનિયા નથી. વ્વત અને હક્ક કરીને જીવવું પણ એટલું જ જરુરી છે.


પપ્પા અજાણ હોવા છતાં પણ હું એમની ક્ષમા માંગીશ , જો મારા લખાણ થી એમનું દિલ
દુભાય તો….