gujarati-blog-khabochiya-jevdi-khushi

હમણાં થોડા સમય પહેલાં જૂનાગઢમાં જટાશંકર જવાનું થયું. સાથે બાળકો પણ હતા. એમને કહ્યું હતું કે ત્યાં થોડું ટ્રેકીંગ કરીને જવાય છે. રસ્તો આમ જંગલ જેવો જ છે, રળિયામણું છે એટલે ટ્રેકીંગની બહુ મજા આવે. અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું જટાશંકર નો ધોધ. જેમાં નહાવા માટે, મસ્તી કરવા માટે બધા ખુબ એક્સાઇટેડ હતા – ખાસ કરીને બાળકો…!

બધાનાં કપડાની એક્સ્ટ્રા જોડ લીધી હતી, કે ભીના થયા હોય તો છોકરાઓ ના કપડા બદલી નખાય. અને મગજ માં પેલા ધોધ નો ઘુઘવાટ હોય ને એટલે પવનથી હલતા ઝાડના પાાંદડા નો અવાજ પણ ખળખળ વહેતા પાણી જેવો જ અનુભવાતો હતો. અમે ચાલતા ગયા. ફોટોસ લેતા ગયા. રસ્તામાં મળતા લોકો ને જોઈને એકાદ વખત મનમાં પ્રશ્ન થયો કે કોઈ ભીનાં કેમ નથી? પણ મગજમાં પેલો ધોધ ઘૂઘવતો હતો એટલે થયું કે આ બધા મંદિર સુધી જ ગયા હશે, કેમકે ધોધ સુધી પહોંચવું થોડું difficult હતું.

અમે finally મંદિર સુધી પહોંચ્યા. એમ થયું પહેલા દેવ ને માથું નમાવીને પછી આગળ ધોધ પર જઈએ. પણ ત્યાર પછી ખબર પડી કે આગળ ધોધ છે જ નહીં! ચોમાસામાં હતો, હવે સુકાઈ ગયો છે. બધા થોડા હતોત્સાહ થયા. છોકરાઓ થોડા વધારે નિરાશ થશે એમ લાગ્યું, પણ છોકરાઓએ જીદ પકડી કે ચાલો આગળ જઈએ તો ખરા! અમે કહ્યું – ‘અરે…! ત્યાં કાંઈ નથી’. સામેથી આવતા લોકોને પણ પૂછ્યું તો તેઓએ પણ “ના” માં માથું ધુણાવ્યું.

પણ ખબર નહીં કેમ છોકરાઓને પ્રયત્નમાં વધુ શ્રદ્ધા હતી. એમણે કહ્યું કે નહીં હોય તો પાછા આવી જશું પણ જઈએ તો ખરા. અમે કહેવાતા “ડાહ્યા “, “સમજુ” અને “compromising nature” વાળા લોકો તો બેસી ગયા – વગર પાણીએ પાણીમાં….!

પણ અમારામાંથી એકે કહ્યું, ‘ચાલો હું આવું તમારી સાથે. બસ! અને એ આગળ ગયા. થોડી જ વારમાં છોકરાઓ બૂમબરાડા કરતા આવ્યા, કે ‘છે પાણી… અમે નહોતા કહેતા…! ચાલો…’! અમારામાંથી થોડા સાથે ગયા. જોયું તો બે જગયાએ નાના નાના ખાબોચિયા, એટલે કે ધોધ ની સરખામણીમાં નાના લાગતા ખાબોચિયા હતા, પણ નાહી શકાય એવા હતા. છોકરાઓ હસતા કૂદતાં, પથ્થરો ઓળાંગીને એ ખાબોચિયાનાં, કે એક નાના હોજ જેવા લાગતા ઠંડા પાણીમાં ઉતરવા લાગયા. પછી અમારામાંથી જ વધુ પડતા “wise” કોઈએ કહ્યું ‘અરે! આમાં શું ઉતરીને કપડાં પલાળવા? ખાલી પગ બોળી લો ને.’

પણ છોકરાઓને આનંદ કરવો જ હતો, એટલે એ તો ઉતર્યા અને એમને ના પાડતાં અમે પણ ઝમ્પલાવ્યું! એ ઝરણાનાં ઠંડા પાણી! એની આસપાસના પથ્થરો! જે પોતાના ઘસારાને બતાવીને જાણે proof આપતા હોય કે અહીં ધોધ હોય જ છે. ‘જુઓ આ ઘસારા!’ ખરેખર એટલી મજા આવી એ વાતાવરણમાં. અને પછી થયું કે જો બહુ મોટો ધોધ હોત તો બધા માટે, ખાસ કરીને બાળકો માટે risky થઇ જાત. આમાં એ પણ ફ્રી અને આપણે પણ ટેન્દ્શન ફ્રી. જોકે રસ્તામાં કૂદાકૂદ કરતાં વાંદરાઓની બીક લાગતી હતી પણ આગળ વધ્યા. ખૂબ enjoy કર્યું. હજુ પણ એ નેચર, એ સાઈટ નજર સામે તરે છે!

તમને થતું હશે કે આ articleનું ટાઈટલ તો ‘મારો પ્રવાસ’- પ્રાથમિક શાળામાં નિબંધ આવતો હોય એ હોવું જોઈએ, પણ આ શેર કરવા પાછળ એની સાથે સંકળાયેલી યાદોની સાથે આ ઓવરલોડેડ બ્રેઈનમાં થોડી સ્પેસ create કરી અને જીવનમાં ઉતારવા જેવી અમુક બાબતો છે:

  • ધ્યેય નક્કી કરી અને ત્યાં પહોંચવાની ચાહ કરતા પણ આ બાળકોની જેમ પ્રયત્નમાં શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે.
  • અને આપણા મગજમાં પ્લાન્ટ થયેલા ધ્યેયના પિક્ચર કરતાં કોઈ અલગ પિક્ચર સામે આવે તો એ failure નથી એ આપણો અભિગમ છે.
  • અને most importantly જ્યારે આપણે ખુશ થવું જ છે એવો અભિગમ હોય તો ખાબોચિયામાં પણ પલળીને, ભીંજાઈને ખુબ આનંદ કરી શકીએ છીએ. (હા ..પણ એ માટે રસ્તા માં વચ્ચે આવતા વાાંદરાઓ ને ignore કરવા પડે હો..!)
  • બાકી તો ધોધ જ જોઈએ એવી જીદમાં કોરા રહી ને ડેલીએ હાથ દઈને પાછા આવી જઈએ તો એમાં દોષ પ્રયત્નનો કે નિયતિનો નહીં પણ આપણા અભિગમનો જ હોય છે.


તો ચાલોને ધોધ ની મથામણ છોડીને ખાબોચિયામાં ખુશી શોધી લઈએ! બસ આટલું જ કહેવું હતું કે મસ્ત રહો…! જબરદસ્ત હો…! કેમકે આ દુનિયા ચાલતી જ રહશે, કાલે તમે રહો કે ન રહો….!

Images created using adobe express – https://express.adobe.com/